Thursday, 13 July 2017

હાય-વે ડાયરી.

રોજનું ક્રમ છે. બસની વિન્ડોસીટ કે કારનું સ્ટેયરીંગ ફેરવતા આવેલો વિચાર છે.
નાનકડી નજરને રોજ કેટકેટલી ઘટનાઓ અને દ્રશ્યો ભટકાય છે.
કાચની પરત પરથી દોડતી વૃક્ષોની હારમાળા, ઉપર મંદ ગતીએ ચાલતું અનંત આકાશ, એમાં પોતાનું અલ્ટીમેટ ઠેકાણું શોધતા વાદળો, સાઈડમાં અર્ધ ચક્રકાર સ્પીડે વર્તુળ બનાવતા હાફ કોફી હાફ ગ્રીન ખેતરો, વચ્ચે આવતી બીનખેતી જમીનોમાં ભરાયેલા ખાબોચિયાં, ચરતા પશુઓ, ધુમાડો કાઢતા વાહનો, અનંત ફેલાયેલો પ્રકાશ, ઇતિહાસની શાક્ષી પૂરતા વર્ષો જુના ઝાડવાઓ, એકલતા ભોગવતા ડામરના રસ્તાઓ, જંગલી વનસ્પતિઓના પાંદડાઓ પર પકડમ પટ્ટી રમતા પીળા પતંગિયાઓ, કારના કાચ માંથી દેખાતા મિલ્ખા સીંગની જેમ દોડતા સફેદ કલરના ડીવાયડર અને સાઈડ પટ્ટાઓ, ખેતરોની કિનારીએ ભરચક ભરાયેલા બાવળ, અચાનક રસ્તો ક્રોસ કરતા નોળિયાઓ, કપાયેલા કૂતરાઓ, કોક ગુમનામ ચહેરાઓએ હાય વે પર બનાવેલા પાણીના પરબો, વચ્ચે આવતા પેટ્રોલ પમ્પ, અજીબો ગરીબ સ્લોગન્સ લખેલા અને યમદૂતની જેમ મહાકાય શરીરે દોડતા ખટારાઓ, એવા સેમી સુમસાન રસ્તાઓ પર પણ ચાલીને જતા હાડ માંસના ખોખાઓ, પ્રદુસિત અને અસ્વચ્છ પાણીમાં ધોવાતા મેલા કપડાં, વચ્ચે વિસામો લેવા માટે બનાવેલા ટેકા વગરના બાકડાઓ, ચાની હોટલો, એ કે 47 જેવો અવાજ કાઢતા છકડાઓ, દેવચકલીની સ્પીડે દોડતી નાની મોટી ગાડીઓ, ક્યારેક મળી જતા લોહિયાળ અકસ્માતો, એટલામાં જ ક્યાંક દેખાતી કૃત્રિમ હસતા ચહેરા વાળી મો..ટ્ટા બેનર્સની જાહેરાતો, ઇમર્જન્સીમાં દોડતી સાયરન વગાડતી 108 એમબ્યુલન્સ, સમયાંતરે આવતા માઈલ સ્ટોન્સ અને લીલા પીળા પાટીયાઓ, ચીર મૌનને ચિરતા વાહનોના હોર્નના ઘોંઘાટ, એમાં વચ્ચે દૂર સુધી ફેલાયેલો સન્નાટો, આ સિવાય એ બધું જ્યાં આપણી સોચ પણ ન પોહચી શકે અને નજર દોડતા થાકી જાય અને ક્ષિતિજ પર વિસામો લે, આંખો થોડી જીણી થાય અને પ્રકૃતિ નિસાસો લે, કુદરત અને માનવ સર્જીત એક એક કણ જાણે એક બીજાની સાથે સમનવય સાધવા મથતા હોય એવું લાગે.....
.... અને આ નવરાશની પળોમાં સદીઓ સુધી થીજેલી પ્રકૃતિમાં આજનો લખતો વાંચતો, ભણેલો ગણેલો 'માણસ'(?) કાગળના ડટ્ટા કમાવવા હાંફતો, થાકતો પોતાને 'વ્યસ્ત' રાખે.
~ #IK ©
૧૩/૭/૨૦૧૭

No comments:

અનુભૂતિ