Thursday, 30 March 2017

લાઈફ(?)

જીવન અનેક અણધાર્યા બનાવો અને ઘટનાઓની એક હારમાળા છે. કઈ ઘડીએ, ક્યા સમયે,ક્યા સે ક્યા હો જાયે, કોઈ નથી કહી શકતું.ખબર નહિ જીવનની કઈ સેકંડ, કઈ કલ્લાક, કયો સમય સાથે વિતાવેલો, સાથે મળીને હસીને વિતાવેલો લાસ્ટ મોમેન્ટ હોય. મોતથી પણ બદતર એક બીજી મોત છે અને જીવનથી પણ ખૂબસૂરત બીજું એક જીવન છે. કોઈ હાયફાય કે ગુઢ ફીલીસોફીમાં ન પડતા – જે સમય (એફર્ટલેસ્લી) હસીને વિતાવી લીધો બસ એજ આપણો છે. બાકી તો જીવન પાસેથી લીધેલી લોનની વ્યાજ સહીતની ભરપાઈ છે. જે દરેકને કોઈક ને કોઈક સમયે, કોઈક ને કોઈક રીતે, આજે નહિ તો કાલે કરવી જ પડે છે.
ધરાર, જબરજસ્તીથી હસવામાં આવતું હોય એ હાસ્ય નથી ઉપહાસ છે. કૃત્રિમ રીતે જીવતી જીવનની એક દુર્ગંધ છે જે અસહ્ય છે. પણ નેચરલી છુટેલું હાસ્ય, પેટમાં છુટતી હાસ્યની લેહરો વેહતા પાણીની જેમ સાફ અને પવિત્ર છે અને એની એક મધુર ફોરમ છે જે પોતાના અને બીજાના જીવનને મહેકાવવા માટે કાફી છે. પણ જીવનના આવા મધુર, કોમળ અને સોનેરી પળોના માલિક બધા નથી હોતા અને જે હોય છે એને પણ દરેક ક્ષણે એને ખોઈ દેવાનો સતત ભય રહ્યા કરે છે.
જીવન એક પળમાં સોનેરી સવાર તો બીજી પળમાં અંધારી રાત લઈને આવે છે. અચાનક અને કોઈ પણ પ્રકારની આગમચેતી અને નોટીસ દીધા વગર આવતા આવા પરિવર્તનો અને મુશ્કેલીઓનો સામનો કરવો એ જીવનની સાચી,સિલેબસ વગરની કસોટી છે. ક્યારેક લાઈફમાં લુક બેક કરતા અમુક એવા પળોના ધૂંધળા રંગો દેખાય છે જે સૂજતા પણ નથી. અને અમુક વર્ષો એક પળ બનીને વિસરી જાય છે અને અમુક પળો વર્ષોની જેમ જીવનમાં જામી જાય છે.
વિચારીએ છીએ એટલું સહેલું પણ નથી. સામે વાળાના જીવનમાં જયારે પ્રોબ્લેમ્સ આવે ત્યારે વકીલ બનીને સલાહ દેવી અને જજ બનીને જજમેન્ટ દેવું ખુબ સરળ છે. પણ ન કરે એજ સીચવેશન આપણા પોતાના જીવનમાં આવે તો? એક સમયે કોઈકને આપેલી આપણી પોતાની સલાહ આપણને કામ આવતી નથી! સ્ટ્રેન્જ છે બટ ફેક્ટ છે.
કોઈ ખુશકિસ્મત જ હોય છે જેને કડકડતી ઠંડીમાં હુંફાળા તડકાનો મુલાયમ સ્પર્શ મળે છે, કોઈ નસીબદારને ઉનાળાના ધોમ તડકામાં ભીનો શીતળ પાલવ મળતો હોય છે. સાચું ચોમાસું એને કેહવાય જેમાં તમારી સાથે પલળવા વાળું કો’ક હોય, તમારા પલળેલા માથાને ટુવાલથી સુકવવા વાળું કો’ક હોય, ગોરા ગુલાબી ગાલ પર ઓસના બિંદુઓની જેમ પડેલા વરસાદી ટીપાઓને ચૂમવા વાળું કો’ક હોય. અને જો આવું કંઈ ન હોય તો ધોધમાર ચોમાસું પણ કાળઝાળ ગરમીનો એહસાસ કરાવે છે. જીવનની એક એક ક્ષણ એક એક સદીઓ જેટલી લાંબી લાગે છે. વિલીયમ શેકસપિયરે “મેકબેથ”માં લખેલું છે એમ હજારો બિચ્છુઓ તમારા વજૂદ પણ આળોટતા હોય એવું લાગે. મગજની નસો સતત ધબકારા લે અને શ્વાસ ગાળામાં અટકી જાય છે. દિવસમાં ખબર નહિ કેટલી વખત મૃત્યુની ભનક અસ્તિત્વને હચમચાવી નાખે છે. પાપ અને પુણ્યની ન વાંચેલી વ્યાખ્યાઓ સમજાય જતી હોય છે. અને ઈશ્વર પેહલા કરતા વધારે નજીક હોય એવું ઓટોમેટીક લાગવા માંડે છે. એકાંતમાં ભીડ અને ભીડમાં એકલતા રીતસરની ફીલ થાય. ઘણા આને ડીપ્રેશનનું નામ દઈ દેતા હોય છે. અસલમાં આ જીવનનો એ તબક્કો છે જેના વિષે ભૂતકાળમાં તમે વિચાર કરેલો ન હતો અને તમને આના વિષે કદાચ ઘણા લોકો એ કીધું હતું પણ તમે ક્યારેય એની અનુભૂતિ ન કરી હતી માટે એ તમારા માટે આ એક તદ્દન નવી સીચવેશન છે જે તમે સ્વીકારવા તૈયાર નથી અને સતત એમાંથી બહાર નીકળવાનો (મરણિયો) પ્રયાસ તમારો ચાલુ છે. તેમ છતાં તમે એમાંથી બહાર નીકળી જ નથી શકતા. આ હકીકતની જયારે તમને ખબર પડે છે ત્યારે તમે એમાંથી બહાર જ છો, અથવા તમને આવી કોઈ તકલીફ છે જ નહિ એવો તમે “ઢોંગ” કરો છો અને દુનિયાની સામે જાપટ ખાઈને મોઢું લાલ રાખવાનો નાટક કરો છો. આ નાટકની પરાકાષ્ટા એ છે કે નાટક ભજવનારા અને જોનારા બંનેને એ વાતની ખબર છે કે આ નાટક માત્ર છે!
ક્યારેક એવો સમય હોય છે કે તમારી આંખમાંથી આંસુના એક ટીપાને ટપકવા માટે પણ સમયને લાંચ દેવી પડે છે અને ક્યારેક એજ આંખમાંથી ટપકેલા આંસુના સમંદરોમાં પગ ખારા કરવા પણ કોઈ આવતું નથી. જીવન આ મીઠાશ અને ખારાશની બનેલી વાનગી છે.
જીવન બે આયામોની વચ્ચે ચાલતી હલેસા વગરની હોડી છે. જીવન સવાર અને સાંજ, તડકા અને છાયા, સુખ અને દુઃખ, રાત અને દિવસ, હાસ્ય અને રુદન, મહેફિલ અને એકાંત, મિત્રો અને શત્રુ,પોતાના અને પરાયા, જાહોજલાલી અને ગરીબી, પાનખર અને વસંત, દુષ્કાળ અને હરિયાળી, સુકા અને ભીનાની વચ્ચે જુલતું વાળથી વધારે બારીક અને તલવારની ધારથી વધારે તિક્ષ્ણ એક પુલ છે જેના પર હું અને તમે ચાલીએ છીએ.
~ IK ©

No comments:

અનુભૂતિ