Friday, 29 July 2016

ગુજ્જુ ચોમાસું

આ કોણે હાથમાં લીધી છે પીંછી? આ કોણ ચિત્રકાર છે?, આ કોણે છાંટ્યું છે માટીની સોડમનું અત્તર?, આ કોણે ખેંચ્યા છે રંગોના લીસોટા?, આ કોણે પળ ભરમાં ભુલાવી છે ગરમી?, કોણે આપી છે મીઠી વાછંટ?...
કોઈક સુંદર મજાના ફૂલ પર પાણીના ટીપા બાઝ્યાં હોય, કોઈક પક્ષી વરસાદમાં પોતાની પાંખો ફફડાવી ગેલ કરતુ હોય, બાળકો પોતાના કાગળના ટાઈટેનીક પાણીમાં દોડાવતા હોય, કોક સુંદર છેલછબીલી નાર વરસાદનું પાણી પોતાના કાળા ભમ્મર વાળ પરથી ઝાપટતી હોય, આકાશમાં નજર સૂરજને શોધતી હોય, ગેસ પર પડેલી ગરમ તાવડીનો તાપ ટાઢક જેવો એહસાસ આપે, કારના ગ્લાસ પર ચોંટતા પાણીના ટીપા વાયપરની સાથે પકડમપટ્ટી રમતા હોય અને કુદરતનો એક એક કણ જાણે આપણા આંગણે વધામણીના પગલાં માંડે ત્યારે દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય છે.
વરસાદના બે છાંટા પડે ને ધગધગતી ઘરાની છાતી પરથી છમ્મ થઈને ગરમીનું બાષ્પીભવન થાય. પંખા, એરકંડીશન, કુલર, સુતરાઉ કપડા, ઠંડા પાણીના શીશા, અનહાયજેનિક ઠંડા પીણા, વીમટો, લીંબુસરબત આદિ ઈત્યાદિને ભીનું મજાનું આવજો કહીને ગરમા ગરમ તળાતા ભજીયા કે પકોડા આસ્વાદવાની મોસમ, ગરમ ચા કે કોફીને ફૂંક મારી પીવાની મોસમ, ક્યાંક વરસતા વરસાદમાં એક જ છત્રીમાં પ્રેયસીની સાથે છત્રીના સળિયા પર થી ટપ ટપ ટપકતા પાણીના ટીપાની વચ્ચે ગરમા ગરમ કાવો શેરવાની મોસમ, બારી બારણા પાસે ઊંભા રહીને ધોધમાર વરસતા વરસાદમાં વાછંટ ઝીલવાની મોસમ, વરસાદની પેહલા ચડતી અંધારીની સામે ચાતક નજર માંડી “હમણાં આવશે, હમણાં આવશે” એમ કેહવાની મોસમ, રસોડાના ખૂણામાં પડેલા સ્ટીલના ડબ્બામાં પણ હવાઈ ગયેલા ખાખરા ચાવવાની મોસમ, વરસતા વરસાદમાં બાઈક પર સવાર થઇ રસ્તા પર ભરાયેલા પાણીમાં છાંટા ઉડવાની મોસમ, કોઈ પણ પ્રકારના ગીત મ્યુઝીક સાઉન્ડ વગર મીઠા તીર જેવા લગતા વરસાદના બાણ ઝીલતા ઝીલતા નાચવાની મોસમ, મસ્ત મજાના લીલા છમ થયેલા ઘાંસ, ઝાડ, વેલા, ફૂલ વગેરેથી આંખોને સુવાળી ઠંડક પોહચે એવી મોસમ, વીજળીના કડાકા ને ભડાકા ગાંડા તુર બનેલા વરસાદની સાથે જુગલબંદી કરે અને મન મોર બની થનગાટ કરે અને ચોમાસાનો નશો દરેક નર નારીને ચડે અને ઉમરને નેવે મૂકી બસ બધાનું મન જુમ બરાબર જુમ કરે આ છે આપણું ગુજ્જુ ચોમાસું! અને બીજી બધી વસ્તુની જેમ આપણને વરસાદમાં પણ ઓછું નથી પોસાતું J માટે જ તો ખલીલ ધનતેજવીને યાદ કરવો પડે,
“તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.”
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.”
ચાલો ચોમાસાને વધાવીએ!  
~ by Imran Khan © 

મારી કર્મભૂમી ઓમ એન્જીનીયરીંગ કોલેજ, જુનાગઢ પર મારા કેમેરાની નજરને ગમી ગયેલા કેટલાંક વરસાદના ઝાપટાં! 

No comments:

અનુભૂતિ